ગ્રામ્ય ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગ : ઇફકો દ્વારા ‘ઇફકો આઈ મંડી એપ’નો પ્રારંભ

New Update
ગ્રામ્ય ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગ : ઇફકો દ્વારા ‘ઇફકો આઈ મંડી એપ’નો પ્રારંભ

ઇફકો આઈ મંડી ભારતની સૌથી મોટી ગ્રામ્ય ઈ પ્લેટફોર્મ એપ બની શકે છે, જેનાથી ૫.૫ કરોડ ખેડૂતોને લાભ મળશે

સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઇફકોએ ખેડૂતોને સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સોશિયલ ઈ-કૉમર્સ એપ “ઇફકો આઈ મંડી” તથા એક વેબ પોર્ટલ શરૂ કરીને ડિજિટલ ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયાના સપનાંને સાકાર કરવાની દિશામાં આ એક સાર્થક પહેલ છે. ઇફકોની તમામ ઈ-કૉમર્સ અને ડિજિટલ પ્રવૃત્તિઓ ઇફકો આઈ-મંડી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

આઈ-મંડી એ ઇફકોની સો ટકા ભાગીદારી ધરાવતી સહયોગી કંપની ઇફકો ઈ-બજાર લિમિટેડ દ્વારા સિંગાપુરની ટેકનોલોજી કંપની આઈ-મંડી પ્રાઇવેટ લિમિટેડની સાથે ભેગા મળીને કરવામાં આવેલ એક વ્યૂહાત્મક રોકાણ છે. કૃષિ ઉદ્યોગ તથા મોબાઇલ/ઇન્ટરનેટ ટેકનોલોજીના ક્ષેત્રના અનુભવી અને વ્યાવસાયિક લોકો તેની સાથે જોડાયેલા છે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશના દરેક ખેડૂત સુધી ડિજિટલ ટેકનોલોજીનો લાભ પહોંચાડવાનો તથા ગ્રામ્ય ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનો છે.

ઇફકોના વહીવટી નિયામક ડૉ. યૂ. એસ. અવસ્થીએ આ પ્રસંગે જણાવ્યું કે, ‘સમગ્ર ભારતમાં ખેડૂતો વચ્ચે ઓનલાઇન અને ડિજિટલ લેવડ-દેવડના ઉપયોગનો પ્રચાર-પ્રસાર કરવાના અભિયાન બાદ ‘ઇફકો આઈ-મંડી એપ’નો પ્રારંભ કરતાં અમે ગર્વ અનુભવીએ છીએ.આઈ-મંડી કૃષિ આદાન-પ્રદાનો, ગ્રાહક વપરાશની ચીજવસ્તુઓ (એફએમસીજી), ઇલેક્ટ્રોનિક્સ, લૉન તથા વીમા વગેરેની ખરીદી કરવા માટે એક ‘વન સ્ટોપ શૉપ’ અર્થાત તમામ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. તે કૃષિ સમુદાયની તમામ જરૂરિયાતોને પૂરિપૂર્ણ કરશે તથા ૫.૫ કરોડ ખેડૂત તેનાથી લાભાન્વિત થશે.’

આઈ-મંડી પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક વી. કે. અગ્રવાલે જણાવ્યું કે, ‘ઇફકો અને આઈ-મંડીને એ વાતનું આશ્વાસન છે કે, આ ભારતીય સહકારી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દરેક ઘર, દરેક ગામમાં મોટા પાયે સામાજિક પરિવર્તન લાવવામાં મદદ મળશે તથા તેની ડિજિટલ સમાવેશી ટેકનોલોજીથી એક કરોડ લોકો સક્ષમ બનશે.’

આ યોજનાને વ્યાપક સ્તરે કાર્યાન્વિત કરવામાં આવશે. ઇફકોના ૫૫,૦૦૦ વેચાણકેન્દ્રો, ૩૬,૦૦૦ સભ્ય સહકારી સમિતિઓ, ૩૦,૦૦૦ ભંડારણ ગૃહો તથા ૨૫ કરોડ ગ્રામ્ય વપરાશકર્તાઓ સાથે જોડાઇને આઈ-મંડી ગ્રામ્ય સોશિયલ ઈ-કૉમર્સ ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી કંપની બની જશે. લગભગ ૧૬,૦૦૦ પિન કૉડ દ્વારા ભારતનો લગભગ એક-તૃત્યાંશ હિસ્સો તેનાથી જોડાઈ જશે.

આઈ-મંડી એપની ખાસિયત એ છે કે, તે 2G+ અને 3G+ બંને પ્રકારની ટેકનોલોજી ધરાવતાં સ્માર્ટ ફોન પર પણ કામ કરે છે. હિંદી અને અંગ્રેજી સિવાય તે ભારતની 10 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે. તેને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વસતા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને અને વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવી છે.

Latest Stories