/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-354.jpg)
જામનગરના જામજોધપુરમાં ૩૦ વર્ષ પહેલા બનેલ કસ્ટોડિયલ ડેથના મામલાની આજરોજ સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને ૩૦ વર્ષ બાદ જામજોધપુરમાં કસ્ટોડિયલ ડેથના મામલમાં કસૂરવાર ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે સાથે અન્ય પાંચ પોલીસકર્મીઓને પણ આ કેસમાં કસૂરવાર જાહેર કરવામાં આવ્યા છે, જેઓને ૨ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
જામનગરમાં ૩૦ વર્ષ પૂર્વે કર્ફ્યું દરમિયાન જામજોધપુરની પોલીસ કસ્ટડીમાં માર મારવાના મુદ્દે એક વ્યક્તિનું મોત નીપજયું હતું. સમગ્ર બનાવ અંગે આજરોજ આ કેસમાં જામનગર સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. પૂર્વ આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ સહિત અન્ય પોલીસકર્મીઓ વિરુદ્ધ ચુકાદા સમયે જામનગર કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ તેમજ લોકોના ટોળા જોવા મળી રહ્યા હતા.તો જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ પણ કોર્ટમાં પહોંચી ચૂક્યા હતા. તો કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.
આજરોજ કોર્ટના ચુકાદા બાદ જામજોધપુરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ૩૦ વર્ષ બાદ કસ્ટોડિયલ ડેથના આરોપીઓને સજા મળતાં જ જામજોધપુરમાં ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો. ઉપરાંત મૃતકના પરિવારજનોને ન્યાય મળતા તેઓમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓએ ભગવાન કે ઘર દેર હે પર અંધેર નહીં તેમ વર્ષો બાદ પણ તંત્રએ કસૂરવારોને સજા ફટકારી તે માટે ન્યાયતંત્રનો આભાર માન્યો હતો.