નાનાપોંઢા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

New Update
નાનાપોંઢા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
  • આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ઉજ્જવળ છે- સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ
  • વિશેષ સિદ્ધિ મેળવનાર આદિજાતિ વ્યક્તિવિશેષોનું સન્માન

આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે પ્રતિવર્ષ ૯મી ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા, એન.આર.રાઉત હાઇસ્કૂલ ખાતે રાજયના સહકાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઇ પટણી પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમના શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્પ અર્પણ સાથે દીપપ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો.

આ અવસરે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતુ કે, આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ઉજજવળ છે. અનાદિકાળથી આદિવાસીઓ પોતાની પરંપરાથી પોતાની સંસ્કૃતિ વારસો જાળવી રાખ્યો છે. દેશની આઝાદીમાં આદિવાસીઓનો સિંહફાળો રહયો છે. બિરસા મુંડાનું બલિદાન ભુલાય તેમ નથી. આદિવાસીઓના વિકાસ માટે રાજય સરકારે અનેકવિધ પગલાં લીધા છે. છેલ્લા ૨૨ વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવ્યો છે. જંગલની જમીન ફાળવણી, શિક્ષણ રોડ, રસ્તા, વિજળી સહિત અનેક આયોજનના સંકલ્પને સાકાર કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. મંત્રીશ્રીએ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની સિધ્ધિને બિરદાવી હતી

આ અવસરે ચેરમેન લક્ષ્મણભાઇ પટણીએ જણાવ્યું હતું કે, સૃષ્ટિનો પહેલો માનવ એટલે આદિવાસી છે. યુનો દ્વારા આદિમાનવના વિકાસ અને સુધારા માટેની ઝુંબેશ ચલાવી તેના અનુસંધાને વિશ્વ આદિવાસી વિદસની ઉજવણી કરવામાં આવે હોવાનું જણાવ્યું હતું. આદિવાસીઓને પર્વત, જંગલ, નદી, જીવજંતુ સાથેનો નાતો છે. આદિવાસીઓની એકતા વિકાસને વેગ આપશે.

આ અવસરે ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસીઓના વિકાસમાટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દૂધસંજીવની યોજના થકી શાળાના બાળકોને પોષણક્ષમ આહાર આપવા, એકલવ્ય મૉડેલ સ્કૂલની સ્થાપના કરી આદિજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા, સમરસ હોસ્ટેલના નિર્માણ થકી ઓછા દરે રહેવાની આધુનિક સુવિધા આપી છે. પેસા એકટ સહિત અનેક કાયદાઓના અમલીકરણ થકી આદિજાતિના લોકો વિકાસના માર્ગે આગળ વધી રહ્ના છે. ગુજરાતના વિકાસને સમગ્ર દેશના નાગરિકોએ સ્વીકાર્યો છે.

ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખી તેનું જતન કરવા જણાવ્યું હતું. આદિવાસી પોતાના હકક સાથે જીવી શકે છે. આદિવાસીઓની આઝાદીમાં બલિદાનને યાદ કરી આદિવાસી દિવસની શુભકામના પાઠવી હતી.

આ અવસરે એસ.એસ.સી/એચ.એસ.સીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓ, એથ્લેટીક રમતવીર, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, કુંવરબાઇનું મામેરૂના ચેક તથા ગુજરાત વાનિકી વિકાસ પરિયોજના હેઠળ સંસ્થાઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

આ અવસરે આદિજાતિઓના વિકાસ યોજના અંગેની ઝાંખી દર્શાવતી સી.ડી.નું નિદર્શન કરાયું હતું. વિવિધ સમાજના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

નાનાપોંઢા હાઇસ્કૂલની બાળાઓએ પ્રાર્થના તેમજ પરંપરાગત સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. આદિવાસીનૃત્ય, ગીત સંગીત, વાજિંત્રો વગેરેથી સમગ્ર કાર્યક્રમ રંગીન બનાવી દીધો હતો.આ અવસરે આદિવાસીઓ દ્વારા માવલીમાતાની પૂજા અર્ચના કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઇ રાઉત, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ સુમિત્રાબેન ,એપીએમસીના ચેરમેન મુકેશભાઇ, નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, આદિવાસી અગ્રણીઓ, કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિશ્વ આદિવાસી દિને ધરમપુર ખાતે આદિવાસીઓનું પ્રિય ‘‘ભડકું’’ પિરસાયું

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર ખાતે આદિવાસીઓનું પ્રિય ‘‘ભડકું’’ જાહેર જનતાને પિરસવામાં આવ્યું હતું. આદિવાસી એકતા પરિષદ ધરમપુર ટીમ દ્વારા કડા ભાતના ચોખામાંથી બનાવેલું ભડકું સાથે આજીલો, લીલા ધાણા- મરચાંની લીલી ચટણી અને કરમદા, કેરીનું પાણીચું અથાણુંનો આહ્લાદક સ્વાદ કંઇક અનેરો હતો. સૌ અબાલ વૃધ્ધો સહિત નગરજનોએ આ ભડકુંનો સ્વાદ માણ્યો હતો.

Latest Stories