રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે અંકલેશ્વર ખાતે રૂ.૬૩૭.૯૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ થશે. જેમાં ૫૮૬.૦૨ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા ૫૧.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
CMના હસ્તે લોકાર્પણ- ભૂમિપૂજન થનાર કામો પર નજર:-
-શિક્ષણ વિભાગના રૂ. ૧૮.૨૯ કરોડના ખર્ચે ૧૭ જેટલા કામોમાંથી રૂ.૪.૮૨ કરોડના ૮ કામનું ખાતમુર્હુત અને ૧૩.૪૭ કરોડના ૯ કામોનું લોકાર્પણ થશે, જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે. આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે.
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગર પાલિકા વિસ્તારમાં જુદી- જુદી જગ્યાએ અંડરપાસ ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા અને ફીશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે, જેનાથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ-બહેનોની સુવિધાઓમાં વધારો થશે.
-ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ, રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે. તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈઘણ અને સમયની પણ બચત થશે.
- આરોગ્ય સુખાકારી હેતુ રૂ.૧.૯૫ કરોડના ખર્ચે સાકાર થયેલા ૦૩ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. અને નેત્રંગ તાલુકામાં ૦૧ આરોગ્ય કેન્દ્ર, ૦૧ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં ૦૧ પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા અને ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહેશે.