/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/02220811/maxresdefault-29.jpg)
ભુજના સુખપર ગામે 35 વર્ષની મહિલાની ઘરના બૅડરૂમમાં થયેલી ઘાતકી હત્યાના બનાવના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. મરનાર વિજયાબેન ભુડીયાની હત્યા તેમની કિશોર વયની દીકરી, દીકરીના પ્રેમી અને તેના મિત્રએ સાથે મળી કરી હતી.
મરણ જનાર 35 વર્ષીય વિજયાબેનની ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષની દીકરીને તેના ઘરની પડોશમાં રહેતાં સુનીલ ઊર્ફે સોનુ કિશોરભાઈ જોશી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ બાબતની જાણ થતાં માતા વિજયાબેન સોનુને અવારનવાર ઠપકો આપી દીકરી જોડે પ્રેમસંબંધ નહીં રાખવા જણાવતાં હતા. માતાના ઠપકાથી નારાજ સોનુ અને દીકરીએ ભેગાં મળીને ઠંડા કલેજે હત્યાના કાવતરાને અંજામ આપ્યો હતો. બનાવના દિવસે સુનીલ તેના મિત્ર આનંદ જગદીશભાઈ સુથાર સાથે વિજયાબેનના ઘરમાં ગયો હતો. જ્યાં વિજયાબેનની દીકરી અગાઉથી જ હાજર હતી. આરોપીઓએ દાતરડા, છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી વિજયાબેનની કરપીણ હત્યા કરી નાખી હતી. બાદમાં દીકરીએ પૂરાવાનો નાશ પણ કર્યો હતો .આ કેસમાં શરૂઆતમાં તો દીકરીએ પહેલાં પોતે ટ્યુશન ક્લાસ ગઈ હોવાનું અને ઘરે પાછી ફરી ત્યારે માતાની લાશ જોઈ પિતાને ફોન પર જાણ કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરંતુ પોલીસે સઘન પૂછતાછ કરતાં હકીકતમાં તે ટ્યુશન ક્લાસ ગઈ જ ન હોવાનું ખુલ્યું હતું. હત્યા બાદ પોલીસે સમગ્ર મકાનની ઝીણવટભરી તલાશી લેતાં મકાનમાં રહેલી કચરાપેટીમાંથી પોલીસને ‘સોનુ.. સોનુ’ લખેલો એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રના આધારે પોલીસ પૂછતાછ કરતાં દીકરીએ કબૂલ્યું હતું કે સોનુ તેનો પ્રેમી છે. પત્રના પગલે પોલીસને સમગ્ર હત્યાકેસની દિશા મળી ગઈ હતી. આ હત્યાએ સમગ્ર પટેલચોવીસીમાં ભારે ચકચાર સર્જી હતી. પોલીસે હત્યામાં સામેલ બંને યુવકોને દબોચી લઈ કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યાં છે. કિશોર વયની દીકરી સામે જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે.