વડોદરા: રાજય સરકારના કલ્યાણકારી કાર્યક્રમો થકી ૯૧૦ નિરાધારોને કરાવાઇ મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ

New Update
વડોદરા: રાજય સરકારના કલ્યાણકારી કાર્યક્રમો થકી ૯૧૦ નિરાધારોને કરાવાઇ મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ
  • રાજય સરકારના દીર્ઘદ્રષ્ટિભર્યા કલ્યાણકારી કાર્યક્રમો અમલી
  • ૯૧૦ નિરાધારોને મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે. અનાથ, બાળક, વિકલાંગો, દિવ્યાંગો, કિન્નર અને વૃધ્ધ સહિત નિરાધાર જરૂરિયાતમંદ વર્ગોને અલગ-અલગ યોજનાઓ અન્વયે લાભાન્વિત કરવામાં આવે છે. રાજય સરકારના દ્રઢ અને સંગીન પ્રયાસોથી છેવાડાના જરૂરિયાતમંદોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમ વિવિધ સ્વરૂપે ટેકારૂપ બને છે.

નિરાધારોને રક્ષિત કરવાની સાથે સમાજમાં તેમનું સ્વમાન જળવાઇ તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકારના દીર્ઘદ્રષ્ટિભર્યા કલ્યાણકારી કાર્યક્રમો વડોદરા જિલ્લામાં પણ અમલી છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા સતત પ્રયત્નો કરીને નિરાધાર જરૂરિયાતમંદોને લાભાન્વિત કરવામાં આવે છે.

સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવા ઓળખકાર્ડ આપવામાં આવે છે. એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની પાત્રતા ધરાવતા વિકલાંગો નિયત કરવામાં આવેલ માપદંડો મુજબ પાત્રતા ધરાવતા હોય તો તેમને આ યોજનાનો લાભ મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં ૯૧૦ વિકલાંગોને એસટી મુસાફરી માટે ઓળખકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આથી આ વિકલાંગ લાભાર્થીઓ તથા તેમના સાથીદારોને એસટીમાં મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થઇ છે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પરમારે જણાવ્યું હતુ.

૮૦ ટકા કે તેથી વધુ શારીરિક ખોડ-ખાંપણ ધરાવતા હોય, દ્રષ્ટિહિન કે મૂકબધિર, ૭૦ ટકા કે તેથી ઓછી બુધ્ધિઆંક ધરાવતા મંદબુધ્ધિ અને ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તેવા દિવ્યાંગોને દિવ્યાંગ ઓળખકાર્ડ આપવામાં આવે છે. આવા દિવ્યાંગોને કાયમી ઓળખકાર્ડ આપવામાં આવે છે. ગુજરાત રાજય માર્ગ પરિવહન (એસટી) ની બસમાં તેમને વિનામૂલ્યે મુસાફરી લાભ મળી રહે છે. ૭૫ ટકા કે તેથી વધુ શારીરિક ખોડખાંપણ ધરાવતા હોય તેવા વ્યક્તિના સાથીદારને ૫૦ ટકા રાહત આપવામાં આવે છે. દ્રષ્ટિહિનના સાથીદારને એસટીમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવે છે.

દિવ્યાંગ સાધન સહાય, શિષ્યવૃત્તિ, સંત સૂરદાસ યોજના ઉપરાંત લોન અને અન્ય સરકારી યોજનાઓના લાભ આપવામાં આવે છે. આવું ઓળખકાર્ડ ગુમ થવાથી એફિડેવીટ પર ડુપ્લીકેટ કાર્ડ મળશે. રદ્દ કરવાપાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવ્યેથી ડુપ્લીકેટ કાર્ડ આપવામાં આવે છે.

Latest Stories