દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પોલિસીમળ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક ગરીબ પરિવારનું ઘર આગની લપેટમાં આવી જતાં ભારે નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ, ગામના નિશાળ ફળિયામાં રહેતા બળવંતભાઈ હેમસિંગભાઈ પરમારના ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં રહેલો તમામ સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
ઘરમાં આગ લાગતાં પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પરિવારની ઘરવખરી, કપડાં સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ આગની ઘટનાને પગલે ગરીબ પરિવારનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે અને પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે. ત્યારે પીડિત પરિવારને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી તાત્કાલિક સરકારી સહાય પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
