બંગાળના પરંપરાગત સ્વાદે એકતાનગરમાં ફૂડકોર્ટમાં જમાવી રંગત

પ્રવાસીઓ માણી રહ્યા છે ભારતની ખાણીપીણીના વૈવિધ્યનો સ્વાદ

પશ્ચિમ બંગાળના શેફ સૌમિન સરકાર બનાવી રહ્યા છે સ્વાદિષ્ટ ઝાલમૂરી

પ્રવાસીઓ માટે સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ સંગમ

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ભારત પર્વમાં  જોવા મળી

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ‘ભારત પર્વ-2026’માં દેશભરની સંસ્કૃતિ સાથે અનોખા સ્વાદ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ‘ભારત પર્વ-2026’માં દેશભરની સંસ્કૃતિ સાથે અનોખા સ્વાદ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં પશ્ચિમ બંગાળની ફેમસ વાનગી ‘ઝાલમૂરી’ ગુજરાતીઓ અને પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય થઇ રહી છે.

એકતા નગર ખાતે યોજાઈ રહેલા ‘ભારત પર્વ-2026’ના ફૂડકોર્ટમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ સાકાર થઈ રહી છે. અહીં દેશના અલગ-અલગ રાજ્યોની પરંપરાગત વાનગીઓ પ્રવાસીઓને ભારતભ્રમણનો અહેસાસ કરાવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચટાકેદાર અને હેલ્ધી સ્ટ્રીટ ફૂડ વાનગી ‘ઝાલમૂરી’ પ્રવાસીઓની પહેલી પસંદ બની છે.

બંગાળના જાણીતા શેફ સૌમિન સરકાર પોતાના હાથે પ્રવાસીઓ માટે તાજી ઝાલમૂરી તૈયાર કરી રહ્યા છે. મમરા, મસાલા, શાકભાજી અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ વાનગીનો ચટપટો સ્વાદ ખાવા માટે પ્રવાસીઓની ભીડ જામી રહી છે.

ગુજરાતની ધરતી પર બંગાળની આ વાનગીનો સ્વાદ માણીને પ્રવાસીઓ બે અલગ રાજ્યોની સંસ્કૃતિ વચ્ચે લાગણીસભર સેતુ અનુભવી રહ્યા છે. સાચા અર્થમાં ‘ભારત પર્વ’ વિવિધતામાં એકતાની ભાવનાને સ્વાદ દ્વારા જીવંત કરી રહ્યો છે.