ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
છઠ્ઠ મહાપર્વની ઉજવણી
મહિલાઓએ કર્યું પૂજન અર્ચન
હજારો શ્રદ્ધાળુઓ જોડાયા
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત
ભરૂચમાં પાવન સલીલા માં નર્મદાના કિનારે છઠ્ઠ મહાપર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં વસવાટ કરતા ઉત્તર ભારતીય પરિવારોમાં લોક આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઝાડેશ્વર સ્થિત નર્મદા પાર્ક ઓવારા ખાતે દીનકર સેવા સમિતિ દ્વારા આયોજિત છઠ્ઠ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ નર્મદા નદીના કિનારે પૂજા-અર્ચના કરી અસ્તાચળે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.છઠ્ઠ પૂજાના ભાગરૂપે સાંજના સમયે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા દિવસે વહેલી સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે. નર્મદા કિનારે પૂજા સામગ્રી, દીવાઓ અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાયું હતું.આ પ્રસંગે જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાંથી 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચાર દિવસીય મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
