અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નવરાત્રીના પર્વ નિમિત્તે આયોજન
માલી ખડકી યુવક મંડળ દ્વારા આયોજન
પ્રાચીન શેરી ગરબાનું આયોજન
66 વર્ષથી અવિરત યોજાઈ છે ગરબા
અંકલેશ્વરના માલીખડકી યુવક મંડળ દ્વારા સતત 66 વર્ષથી અવિરત પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે જેમાં વિસ્તારના યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમી માતાજીની આરાધનામાં લીન બને છે

આજના આધુનિક યુગમાં જ્યારે નવરાત્રીનો પવિત્ર લોક ઉત્સવ કમર્શિયલ ડીજેના ઘોંઘાટ, મોટા ગ્રાઉન્ડ્સ, મોંઘી ટિકિટો અને અર્વાચીન વેસ્ટર્ન ઢાળવાળા ગરબામાં રૂપાંતરિત થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરની માલી ખડકી યુવક મંડળે પોતાની પ્રાચીન શેરી ગરબાની ભવ્ય સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભક્તિસભર પરંપરાને અડીખમ રાખીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માલી ખડકી યુવક મંડળ દ્વારા આયોજિત આ લોકપ્રિય શેરી ગરબા 66 વર્ષથી અવિરત રમાય રહ્યા છે.માલી ખડકીમાં આજે પણ પ્રાચીન ઢાળ, તાલબદ્ધ તાળીઓ, શિસ્તબદ્ધ રજૂઆત અને માતાજી પ્રત્યેના અથાક ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળે છે.
આ પવિત્ર ગરબાનો પ્રારંભ દાયકાઓ પહેલાં સ્વ. બચુભાઈ ચોકસી અને ફળિયાના ઉત્સાહી લોકો દ્વારા માતાજીની એક નાની છબી મૂકીને અત્યંત સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યો હતો, જે સમય જતાં લોકોની શ્રદ્ધા વધતાં લાકડાના સુંદર કટ-આઉટમાં ફેરવાયો હતો. ત્યારબાદ સ્વ. બચુભાઈ ચોકસીના સુપુત્ર સ્વ. રાજેશભાઈ ચોકસી દ્વારા પંચધાતુ અને ચાંદીમાંથી ખાસ નિર્મિત મા અંબાની મનોહર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ ગરબાના મધ્યમાં શોભાયમાન થઈને ભક્તોને ભાવવિભોર કરે છે.
