સાઉદી અરેબિયામાં હૂતી હુમલામાં એક ભારતીયના મોત બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરી હતી. એડવાઈઝરીમાં ભારતીયોને ઘરની અંદર રહેવા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. રવિવારે રિયાધ એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીયનું મૃત્યુ થયા બાદ આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. હુમલામાં 11 ભારતીયો ઘાયલ થયા હતા.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયામાં હાજર તમામ ભારતીય નાગરિકોને સતર્ક અને સાવધ રહેવા, જરૂર મુજબ ઘરમાં રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સત્તાવાર ચેનલો દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”

એડવાઈઝરી એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલાઓ વધારી દીધા છે. શનિવારે, હૂતીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઇલ હુમલો કર્યો. આ હુમલામાં તે જ દિવસે 12 લોકો માર્યા ગયા અને 309 અન્ય ઘાયલ થયા. રવિવારે હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીયનું મૃત્યુ થયું. અન્ય મૃતકોમાં ચાર સાઉદી નાગરિકો, બે બાંગ્લાદેશી અને અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, પેલેસ્ટાઇન, સીરિયા અને સુદાનનો એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.