ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ ખાતે તૈયાર થઈ રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન ઝડપથી આકાર લઈ રહ્યું છે. દહેજ બાયપાસ રોડ પર સ્થિત આ સ્ટેશનની બાહ્ય રચના અને ડિઝાઇન ભરૂચની પરંપરાગત સૂતરાઉ વણાટ કળાથી પ્રેરિત કરવામાં આવી છે.સ્ટેશન પર વિશ્વસ્તરીય મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સ્ટેશન પર વિવિધ સ્તરો વચ્ચે મુસાફરો માટે લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરાયા છે.



ડિઝાઇનમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોની સુવિધાનું ખાસ ધ્યાન રખાયું છે. સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં કાર, દ્વિચક્રી વાહનો, ઓટો અને બસ માટે અલગથી પેસેન્જર પિક-અપ/ડ્રોપ-ઓફ તથા પાર્કિંગની સુવિધા સાથે વિશાળ પદયાત્રી પ્લાઝા વિસ્તાર પણ વિકસાવાઈ રહ્યો છે. આ સ્ટેશન સીધું રાજ્ય ધોરીમાર્ગ ભરૂચ–દહેજ હાઇવે સાથે જોડાયેલું છે. મુંબઈ–દિલ્હી એક્સપ્રેસવે આ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલો છે. નજીકનું ભરૂચ રેલવે સ્ટેશન અહીંથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે.ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન મુખ્યત્વે બે સ્તરો ધરાવે છે, ગ્રાઉન્ડ લેવલ અને બન્ને સાઈડ પ્લેટફોર્મ. સ્ટેશન ખાતે રેલ અને પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગ, સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શન તથા રૂફ શીટિંગ છતનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં બાહ્ય એલિવેશનનું નિર્માણ અને પ્લેટફોર્મ ફ્લોરિંગ સહિતનું આર્કિટેક્ચરલ ફિનિશિંગ કાર્ય ચાલી રહ્યું છે.