કોરોના મહામારીમાં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ છે, ત્યારે આજે વેરાવળમાં શિવમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને સામાજિક કાર્યકર્તા જગમાલ વાળા દ્વારા શિવમ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. વેરાવળ અને તેની આસપાસ પણ કોરોના મહામારી વક્રી રહી છે ત્યારે આ કોવિડ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે.
કોરોના મહામારીએ સમગ્ર દેશમાં ભરડો લોધો છે અને આ મહામારીમાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઈ લોકો લાઇનમાં ઉભા જોવા મળે છે, ત્યારે વેરાવળ ગીર સોમનાથમાં લોકોને આ મહામારીની વચ્ચે લાઇનમાં ન રહેવું પડે અને ખૂબ જ સરળતાથી સારવાર મેળવી શકે, ગરીબ અને મધ્યમ વર્ગને પરવળે તેવી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી શિવમ ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 100 બેડની શિવમ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આજ રોજ જગમાલ વાળાના દીકરી ડો. ડિમ્પલબેન વાળા દ્વારા રીબીન કાપી હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી.
100 બેડની આ હોસ્પિટલમાં 50 બેડ આઈશોલેશનના અને 50 બેડ ઓક્સિજન બેડના રહેશે. બે વેન્ટિલેશન અને બાઈપેકની વ્યવસ્થા પણ રાખેલી છે. આ ઉપરાંત બે M.D ડોક્ટર દસ M.B.B.S ડોક્ટર અને વીસ નર્સિંગ સ્ટાફની સુવિધા છે. જે લોકોની સેવા માટે ચોવીસ કલાક કાર્યરત રહેશે. હોસ્પિટલમાં દર્દીને લેવા અને મુકવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ હોસ્પિટલમાં દરેક દર્દી માટે ફક્ત દવાનો જ ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત દર્દી માટે સવારે ઉકાળો બપોરે નાળિયેલ પાણી, જ્યુસ સાંજે હળદર વાળું દૂધ. આ ઉપરાંત નાસ્તો અને જમવાની તમામ વ્યવસ્થા ફ્રીમાં આપવામાં આવશે.