ઢોલમેળામાં રાજસ્થાન છોટાઉદેપુર સહિત જિલ્લાના ૨૫૦ જેટલા ઢોલોએ ભાગ લીધો
ઢોલ મેળામાં લોકો ઢોલના ધવનિના તાલે મન મુકીને નાચ્યા
લુપ્ત થતી આદિવાસી સંસ્કૃત્તિને જાળવી રાખવા સાથે કુરિવાજોને દુર કરવાનો મૂળભુત ઉદેશ છે
ડી.જે. જેવા ધ્વનિ પ્રદુષણયુક્ત અને ખર્ચાળ વાધોથી આદિવાસી સમાજને બહાર લાવવાનો પ્રયાસ છે. દાહોદ ખરીદ વેચાણ સંઘ પ્રમુખ નગરસિંહ પલાસ
દાહોદ ભીલ સમાજ સુધારણા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સંસ્કૃતિનું આગવું પ્રતિક એવો બારમો ઢોલ મેળો દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ઢોલમેળામાં રાજસ્થાન છોટાઉદેપુર સહિત જિલ્લાના ૨૫૦ જેટલા ઢોલોએ ભાગ લીધો હતો.
આ ઢોલમેળાનું ઉદધાટન ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાળા અને દાહોદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નગરસિંહ પલાસના હસ્તે તથા જનની હોસ્પિટલના ર્ડોક્ટર ડામોર, દાહોદ નગરપલિકાના માજી પ્રમુખ રાજેશ સહેતાઇ,મહિલા અગ્રણી વિણાબેન પલાસ, અગ્રણી જીથરાભાઇ બામણીયા, અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ.
આદિવાસી સમાજના અગ્રણી નગરસિંહ પલાસે ઢોલ મેળાની વિગતો આપતાં જણાવ્યું હતુ કે ગરવી ગુજરાતના ગૈારવ અને આગવી ઓળખ એવી નૃત્યશૈલી, ગરબા, રસ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નૃત્ય તરીકે પ્રસિધ્ધ છે. પરંતુ ગુજરાતની પ્રાચીન શૈલીમાં પરંપરાગત આદિવાસી નૃત્ય પ્રાદેશિક ધોરણે રહેલી વિવિધતા જીવંત રાખી વધુ લોકપ્રિય બનાવવા અવિરત પ્રયાસો થઇ રહયા છે.
લોક સાંસ્કૃતિ એ માનવ જીવનનું એક અવિભાજ્ય અંગ છે. સમયના વહેણની સાથે પરિવર્તનશીલ માનવ સમાજની ભાતીગળ લોકસંસ્કૃતિની પરંપરાનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. તેમાંય વૈવિધ્યસભર લોક સંસ્કૃતિનું સ્થાન સૈાથી મોખરે છે. પ્રકૃતિની ગોદમાં મસ્ત બનીને વિહરતા આદિમાનવના અંતરમાં આનંદની લાગણી ઉઠતી ત્યારે હરખધેલો બનીને નાચવા કે ગાવા મંડતો, આમ ધરતી સાથે અંતરની પ્રિત બાંધીને બેઠેલા માનવીના આનંદની અભિવ્યકિત અને ઉર્મીઓના અર્વિભાવમાંથી જન્મ્યો છે.
આપણા ભાતીગળ લોકનૃત્યો નૈસગિક વાતાવરણમાં જન્મેલા લોકનૃત્યોએ માનવીના પરમ આનંદની નીપજ હોવાથી લોક હૈયા પર અજબ ગજબનુ કામણ કર્યું છે. લોકમેળો હોય કે લોક ઉત્સવ, લગ્ન જેવા મંગળ પ્રસંગની રંગે ચંગે ઉજવણી થતી હોય ત્યારે લોકહૈયા આનંદવિભોર બનીને નાચે છે. અને ગાય છે. જીવનનો થાક ખંખેરીને હળવાકુલ થાય છે. ગુજરાતની આગવી એવી આદિવાસીની નૃત્ય શૈલીએ ગુજરાતના જીલ્લાઓ દાંતાથી ડાંગ સુધીના વિસ્તારમાં, નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સની ઉજવણી, ચાંલ્લાં, વિવાહ સગાઇ પ્રસંગે આદિવાસીઓ (વનવાસીઓ) પોતાના ઉમંગ, ઉત્સાહ આનંદને પરંમપરાગત લોકવાધોના સથવારે અને એક ચોકકસ લયમાં મેળ અને જોશ સાથે રજુ કરે તે ક્ષણોને નિહાળવી એ અદૂભૂત લ્હાવો છે. વિશ્વભરમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમા ઢોલ મેળાને વનવાસી નૃત્યને દાહોદ જિલ્લા ભીલ સમાજ સુધારણા મંડળ સુયોગ્ય અને સતત માર્ગદર્શન આપી ઉત્કૃષ્ટ દેખાવ કરવા પ્રોત્સાહિત કરે છે. આ ઢોલ મેળાની સાથે આદિવાસીઓ કૂટેવો કુરિવાજો, અંધશ્રધ્ધાઓ, દારૂ વિગેરે છોડીને સાંપ્રત સમાજની સાથે કદમ મેળવવા માર્ગદર્શન મેળવે છે. ડી.જે. જેવા ધ્વનિ પ્રદુષણયુક્ત અને ખર્ચાળ વાધોથી આદિવાસી સમાજને બહાર લાવવાનો પ્રયાસ છે.
ઢોલ મેળાથી સંગઠન, સંસ્કૃતિની જાણકારી, શિસ્ત તેમજ મનોંરજન સાથે આનંદ વ્યકત થાય છે. ઢોલ મેળામાં ૧ થી ૧૦ માં આવનાર ઢોલ-ઢોલીઓને રોકડ ઇનામો આપવામાં આવે છે. બાકીના દરેક ભાગ લેનાર ઢોલોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવે છે.
આ ઢોલ મેળાને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો, જિલ્લાની જનતા વગેરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઢોલ મેળામાં લોકો ઢોલના ધ્વનિના તાલે મન મુકીને નાચ્યા હતા.
