ચૂંટણી પંચ આજે 17મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ મહત્વના નિર્દેશો અને નિયમોની જાહેરાત કરી હતી. ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ આ વખતે સાત તબક્કામાં 11, 18, 23, 29 એપ્રિલ અને 6, 12 અને 19 મેના રોજ એમ સાત તબક્કામાં મતદાન યોજાશે.
–પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર 11 એપ્રિલના મતદાન થશે
–બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 બેઠકો પર 18 એપ્રિલના મતદાન થશે
–ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 115 બેઠકો પર 23 એપ્રિલના મતદાન થશે
–ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર 29 એપ્રિલના મતદાન થશે
–પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર 6 મેના મતદાન થશે
–છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર 12મેના મતદાન થશે
–સાતમાં તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર 19મેના મતદાન થશે
ગુજરાતમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં 26 બેઠકો પર મતદાન
ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો પર 23મી એપ્રિલને ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ઉપરાંત 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણી પંચના મતે આંધ્ર પ્રદેશ, અરૂણાચલ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ, અંદમાન-નિકોબાર, દાદરા અને નગર હવેલી, દિલ્હી, પુડુચેરી, ચંદીગઢમાં એક જ તબક્કામાં મતદાન થશે.
યુપી, બિહાર અને પ. બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન
સૌથી વધુ 80 લોકસભા બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ, 40 બેઠકો ધરાવતા બિહાર અને 42 બેઠકો ધરાવતા પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન યોજાશે.
17મી લોકસભા ચૂંટણીમાં 9૦ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારો પૈકી 1.5 કરોડ મતદારો 18-19ની ઉંમરના હોવાનું મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું હતું. આશરે 10 લાખ મતદાન મથકો પર મતદાન યોજાશે જ્યારે અગાઉ 2014માં 9 લાખ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું.
