રાજીવ ગાંધીના નાના ભાઇ સંજય ગાંધી એક સમયે ઇંદિરા ગાંધીના રાજનૈતિક વારસદાર હતા. ઇંદિરા ગાંધીએ પણ એ વાત ક્યારેય છૂપી રાખી નહોતી કે તેમના રાજનૈતિક વારસદાર તેમના નાના પુત્ર સંજય ગાંધી હતા. સંજય ગાંધીના આકસ્મિક મોત બાદ ઇન્દિરા આંતરિક રીતે તૂટી ગયા હતા.
23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મોત થઇ ગયું હતું. તેમની પર તે અગાઉ પણ ત્રણવાર હુમલા થયા હોવાનું કહેવાય છે. સંજયને મિકેનિક્સનો ભારે શોખ હતો. પોતાના રૂમમાં જ તેમણે નાની વર્કશોપ ખોલી રાખી હતી. તેમણે પાઇલોટનું લાયસન્સ પણ મેળવ્યું હતું.
ભારતમાં ઇમરજન્સી જાહેર કરાઇ ત્યારે સંજય ગાંધીની કથિત આપખુદ શાહી તે સમયે ચર્ચાનો વિષય બની હતી. સંજય ગાંધી એક અલગ જ દ્રષ્ટ્રિકોણ ધરાવતા હતા. ઇમરજન્સી વખતે તેમણે ગરીબી હટાવવા માટે ફરજિયાત નસબંધીનું અભિયાન ચલાવ્યું હતું. તેના કારણે મુસ્લિમોમાં ભયની લાગણી વ્યાપી ગઇ હતી.
ટોચના અમલદારો, મંત્રીઓ અને ખાસ કરીને નવી દિલ્હીમાં તઘલક રોડ પરના મુસ્લિમ પરિવારો માટે સંજય ગાંધી મોટી સમસ્યા બની ગયા હતા. તેમના જણાવ્યા મુજબ તે સમયે ભારતનું સંચાલન વડાપ્રધાનની ઓફિસથી નહી પણ વડાપ્રધાનના ઘરેથી થતું હતું. જ્યાં સંજય ગાંધી રહેતા હતા. તેઓ એક આપખુદ શાસક બની ગયા હતા અને લોકોને સૌથી મોટો વાંધો તો એ હતો કે સંજય ગાંધી સરકારમાં કોઇ કાયદેસરનું પદ પણ ધરાવતા નહોતા. કહેવાય છે કે તે સમયે કોઇપણ ફાઇલ સંજય ગાંધીની પરવાનગી વગર પાસ થતી નહોતી.
સંજય ગાંધી એક જાણીતી હસ્તી હતા તેથી તેમની મોત નિપજાવનાર દુર્ઘટનાને ઘણાં લોકોએ કાવત્રુ ગણાવ્યું હતું. તેમજ તે કાવત્રાને અંજામ આપનાર તરીકે ઇન્દિરા ગાંધીને ગણાવ્યા હતા. જોકે, આ વાતના કોઇ જ પુરાવા મળ્યા નથી.