અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. જેમાં બાપુનગર, દાણીલીમડા અને મેઘાણીનગરમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની 3 ઘટનાઓ સામે આવી છે. આમ અસામાજિક તત્વો જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ હવે આ મામલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપી વહેલી તકે રિપોર્ટ સોંપવા અંગે પણ જણાવ્યુ છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જાહેરમાં કેક કાપતો અને ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને દેવ બાદશાહ અને ફાયરિંગ કરનાર યુવક સહિત 5 લોકોની ધરપકડ કરી છે, ત્યારે દાણીલીમડા વિસ્તારમાં લગ્ન સમારોહ દરમ્યાન હુક્કાબાર અને ફાયરિંગનો પણ અન્ય એક વિડિયો સામે આવ્યો છે. પોલીસે વાયરલ થયેલા વિડીયો અંગે તપાસ હાથ ધરી છે. તો સાથે અમદાવાદના મેઘાણીનગરનો પણ ત્રીજો વિડીયો બહાર આવ્યો છે. જેમાં દિવાળીના દિવસે યુવકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પર્ણકુંજ સોસાયાટીના નામે વિડીયો વાયરલ થયો હતો.
અમદાવાદના બાપુનગરમાં જન્મદિવસ નિમિત્તે ફાયરિંગ મામલે પોલીસે દેવ બાદશાહ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જાહેરમાં કેક કાપતો અને ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેવ બાદશાહ નામના યુવકને પોલીસનો કોઇ જ પ્રકારનો ડર ન હોય તેમ જાહેર રસ્તા પર તલવારથી કેક કાપતો અને ફાયરિંગ કરતો નજરે પડ્યો હતો. જોકે ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર યુવક સહિત 5 લોકોની ધરપકડ કરી છે. તો સેટેલાઈટ વિસ્તારમાં પણ એક યુવક બંદૂક બતાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એસ.જી. હાઇવે પર ચાલુ કારે યુવકે બંદૂક દેખાડી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકની કાર આગળ પોલીસ લખેલી પ્લેટ પણ હતી, ત્યારે આ મામલે પોલીસે વાયરલ થયેલા વિડીયોમાં દેખાતી કાર જપ્ત કરી લીધી છે. જ્યારે ફરાર આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.