પંચમહાલ : કોરોનાએ પરિવારના 5 સભ્યોનો ભોગ લીધો, છતાં 108 એમ્બ્યુલન્સના પાયલોટની લોકસેવા યથાવત

New Update
પંચમહાલ : કોરોનાએ પરિવારના 5 સભ્યોનો ભોગ લીધો, છતાં 108 એમ્બ્યુલન્સના પાયલોટની લોકસેવા યથાવત

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાના કેસ થોડા દિવસથી ઘટી રહ્યા છે. કોરોના કાળમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન છેલ્લા 5 દિવસમાં પરિવારના 5 સભ્યો કોરોનાનો કોળિયો બન્યા હોવા છતાં 108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા પાયલોટ પ્રવીણ બારીયાએ સેવાકાર્યમાં હાજર થઈને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરૂ પાડ્યું છે.

ગોધરા ખાતે 108 એમ્બ્યુલન્સ સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમરજન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે, ત્યારે હાલ પાછલા 3 વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

જોકે, છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે, ત્યારે થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. પ્રવીણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા-પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા-પિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ યથાવત રાખી, ત્યારે તેઓના પિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યાં હતા. પ્રવીણભાઈને આ દુ:ખની ઘડીની કળ વળી નહોતી, ત્યાં થોડા દિવસ બાદ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ માતા તેમજ તેઓના કાકા-કાકી અને કાકાનો પુત્ર એમ 4 લોકો અવસાન પામ્યાં હતા. એક જ દિવસમાં માતા સહિત પરિવારના 4 સભ્યોના અવસાનને લઇ પ્રવીણભાઈ પર આભ તૂટી પડ્યું હતું.

પોતાના પિતાની ચિતા ઠંડી નહોતી થઈ ત્યાંજ કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારના 4 સભ્યોને ચિતા આપવાનો વારો આવ્યો હતો. આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડયુ હતું, પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમરજન્સી સેવાના પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવા ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી ફરી ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા-પિતા તેમજ પરિવારના અન્ય 3 સભ્યોના જીવ લીધા, ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમરજન્સી સેવાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર સારવાર મળી રહે તે માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાની ફરજ ઉપર હાજર થયા અને માવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

Latest Stories