-
ધાનેરા પંથક માટે છેલ્લા 24 કલાક ગોઝારા સાબિત થયા
-
બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મોત
-
ધાનેરા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી
-
સ્કોર્પિયો પલ્ટી મારતા થાવરના 3 આશાસ્પદ યુવકો હોમાયા
-
નળ સરોવરથી પરત ફરતા ડોક્ટર દંપતીનું પણ અકસ્માતમાં મોત
બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લા 24 કલાક જાણે કાળમુખા સાબિત થયા છે.બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ પંથકના 5 આશાસ્પદ જીવ છીનવી લીધા છે. આ દુર્ઘટનાને પગલે ચૌધરી સમાજ અને દરજી સમાજ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
કાળ ક્યારે અને કઈ દિશામાંથી ત્રાટકશે તે કોઈ જાણી શકતું નથી. ધાનેરા તાલુકાના થાવર ગામના ચૌધરી સમાજના યુવકો રાજસ્થાનના રણુજા ખાતે બાબારીના દર્શન કરીને ભારે હૈયે, ખુશી-ખુશી પોતાના વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ કાળમુખી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના ત્રણ-ત્રણ જવાનજોધ અને આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
જ્યારે આ કાળજા કંપાવનારા સમાચાર થાવર ગામમાં પહોંચ્યા, ત્યારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું. આજે જ્યારે થાવર ગામમાં એક સાથે ત્રણ-ત્રણ જુવાનજોધ દીકરાઓની અંતિમયાત્રા નીકળી અને એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે ગામના પાદરે પણ આંસુ સાર્યા હતા. પરિવારોના આક્રંદ અને ચીસથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
હજી આ આઘાતમાંથી ધાનેરા બહાર આવ્યું ન હતું, ત્યાં જ ધાનેરાને બીજો મોટો ઝટકો લાગ્યો હતો. નળ સરોવરની મુલાકાત લઈને પરત ફરી રહેલા ધાનેરાના જાણીતા ડો. મિતેષ દરજી અને તેમના પત્ની હેતલ દરજી પણ એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ડોક્ટર દંપતીએ પણ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ધાનેરામાં આજે પતિ-પત્નીના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, મેડિકલ જગતના લોકો અને સ્નેહીજનો ઉમટી પડ્યા હતા અને ચોધાર આંસુએ વિદાય આપી હતી.
માત્ર 24 કલાકમાં જ પાંચ-પાંચ સગા સ્નેહીઓ અને આશાસ્પદ યુવાનો ગુમાવતા સમગ્ર ધાનેરા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કાળમુખા અકસ્માતોએ હસતા-રમતા પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.
