રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં રસ્તાના નિર્માણ કાર્ય દરમિયાન વીજ કરંટ લાગવાથી 8 શ્રમિકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સોમવારે ઉદયપુરવાટી તાલુકાના છાપોલી ગામમાં રસ્તાના નિર્માણ કાર્ય દરમ્યાન વીજ કરંટ લાગવાથી 8 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયાં, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

ઉદયપુરવાટીના SHOએ જણાવ્યું હતું કે, રસ્તાના નિર્માણ કાર્યમાં કાંકરી (ગ્રેવલ) મિશ્રિત કરવા માટે વપરાતી એક મશીન ઉપરથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગઈ હતી. હાઈ-ટેન્શન લાઈનને સ્પર્શ થતાં જ આખી મશીનમાં વીજ પ્રવાહ પ્રસરી ગયો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો અને રોષે ભરાયેલા ગ્રામજનોએ ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. દુર્ઘટના બાદ ધારાસભ્ય ભગવાનારામ સૈની અને DSP સુગન સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે.
