બિહારના મુઝફ્ફરપુરના ગોબરસાહી વિસ્તારમાં ગટરના નિર્માણ કાર્ય દરમિયાન ગેસ પાઇપલાઇન તૂટી જતાં તેમાંથી PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ઝડપથી ફેલાઈ ગયો હતો. આ ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

બિહારના મુઝફ્ફરપુરના ગોબરસાહી વિસ્તારમાં ગટર બનાવવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે જમીનની અંદર દબાયેલી ગેસ પાઇપલાઇન અચાનક તૂટી ગઈ. પાઇપલાઇનમાંથી ઊંચા દબાણે PNG ગેસ લીક થવા લાગ્યો અને થોડી જ વારમાં તેમાં આગ લાગી ગઈ. અચાનક જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ ઘટના ગોબરસાહી વિસ્તારમાં બની છે, જે સદર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. મળતી માહિતી મુજબ, ખોદકામ દરમિયાન મશીનરી લાગવાથી ગેસ પાઇપલાઇનને નુકસાન થયું હતું, જેના કારણે PNG ગેસ ઝડપથી લીક થયો અને તેમાં આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ જોઈને સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, સાવચેતીના પગલા રૂપે આસપાસના વિસ્તારને ખાલી કરાવી પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.