સંસદમાં પ્રથમ વખત, કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત ધરણાં પર રહ્યા, ધરણાં હજી પણ ચાલુ છે. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે, જ્યારે સંસદ પરિસરમાં આખી રાત દેખાવો ચાલ્યા. જોકે વિધાનસભાઓમાં આવું થતું રહે છે.
ગઇકાલ સોમવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા વિપક્ષના 8 સાંસદ આખી રાત ધરણાં પર બેઠા હતા. ધરણાં હજુ પણ ચાલુ જ છે. આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તેમના માટે સવારની ચા અને નાસ્તો લઈને પહોંચ્યા.જોકે સાંસદોએ તેમની ચા પીવાથી ઈન્કાર કર્યો હતો.
ઉપસભાપતિ સાથે અયોગ્ય વ્યવહાર કરવાને કારણે જ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલોના વિરોધમાં રાજયસભામાં હલ્લો કર્યો હતો. તેમણે સદનની રૂલબુક ફાડી હતી અને માઈકને તોડવાની કોશિશ પણ કરી હતી.
આ 8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
ડેરેક ઓ બ્રાયન- તૃણમૂલ
ડોલા સેન- તૃણમૂલ
રિપુન બોરા- કોંગ્રેસ
રાજીવ સાતવ- કોંગ્રેસ
સૈયદ નઝીર- કોંગ્રેસ
સંજય સિંહ- આપ
ઈ. કરીમ- સીપીઆઈ
કે. કે. રાગેશ- સીપીઆઈ
સસ્પેન્ડ થયેલા સાંસદોને સપોર્ટ કરવા માટે સોમવારે રાતે બીજા વિપક્ષોના સાંસદો પણ પહોંચ્યા હતા. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, જ્યારે સંસદના પરિસરમાં જ આખી રાત દેખાવો ચાલ્યા હોય. જોકે વિધાનસભામાં આવું ચાલતું રહે છે.
ધરણાં પર બેઠેલા સાંસદોએ ઘરેથી તકિયાં અને બ્લેનકેટ ઉપરાંત મચ્છરને ભગાડવાની દવા પણ મગાવી હતી. ઈમર્જન્સી માટે સ્થળ પર એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને તેમના બે સાથીઓ કોંગ્રેસના રિપુન બોરા અને સીપીઆઈના ઈ. કરીમને લઈને છે, કારણ કે બંનેની ઉંમર 65 વર્ષથી વધુ છે અને બંનેને ડાયાબિટીસ છે.