સોલાપુરના અક્કલકોટના એમઆઈડીસી રોડ પર  આાવેલી સેન્ટ્રલ ટેક્સ્ટાઈલ મીલ નામની ટુવાલ બનાવતી ફેક્ટરીમાં રવિવારે પરોઢે  લાગેલી ભીષણ આગમાં ફેક્ટરીના માલિક, તેમના પરિવારજનો તથા કામદારો સહિત આઠના મોત નીપજ્યાં હતાં. મૃતકોમાંથી કેટલાકના મૃતદેહ તો ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં મળ્યા હતા. 

હાજી  ઉસ્માન હસનભાઈ મન્સુરીની માલિકીની ફેક્ટરીમાં આશરે ૨૨૫ કામદારો કામ કરે છે. ફેક્ટરીમાં આજે પરોઢે ૩.૪૫ વાગ્યાની આસપાસ અચાનક પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી. ફેકટરીમાં કાપડ, દોરડાં, કેમિકલો, કાગળ અને કાર્ડબોર્ડનો મોટો જથ્થો હોવાથી થોડી જ વારમાં આગ વ્યાપક અને વિકરાળ બની હતી અને સમગ્ર  ફેકટરીમાં  ફેલાઈ ગઈ હતી. માલિક હાજી મન્સુરી તેમના પરિવાર સાથે  ફેક્ટરીમાં જ ઉપરના માળે રહેતા હતા. આ ઉપરાંત કેટલાક કામદારો  પણ આગ વખતે ફેક્ટરીમાં મોજુદ હતા. આ તમામ લોકો આગમાં ફસાઈ ગયા હતા. 

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક  ફેકટરી ખાતે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. કારખાના સુધી જતા રસ્તાઓ પણ સાંકડા હોવાથી ફાયરના વાહનોને પહોંચવામાં  મુશ્કેલી નડી હતી. જેમાં ઊચી સીડીનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફેકટરીની આસપાસની ખુલ્લી જગ્યામાં શીટ મેટલ શેડના બાંધકામને કારણે બચાવ કામગીરી દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ હતી.  ફેક્ટરીની એક દિવાલ તોડીને ફાયરના જવાનો અંદર પ્રવેશ્યા હતા. 

દરમિયાન  માલિકના પરિવારના પાંચ લોકો માસ્ટર બેડરુમમાં ફસાઈ જતાં કમનસીબે આ પાંચેય લોકો ફેકટરીમાંથી બહાર નીકળી શક્યા ન હતા. પરિણામે ગૂંગળામણ અને દાઝી જવાથી  તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાય સમય સુધી ફેક્ટરીમાં અંદર ફસાયેલા લોકોની ચીસો સંભળાતી રહી હતી. જોકે, થોડી વાર બાદ આ ચીસાનો અવાજ શાંત પડી ગયો હતો. 

ફાયર બ્રિગેડના જવાનોએ  અંદર પહોંચીને આઠેય  મૃતદેહોને સફળ રીતે બહાર કાઢ્યા હતા. તેમાંથી કેટલાકના મૃતદેહ તો ઓળખી શકાય તેવી હાલતમાં પણ ન હતા.  મૃતકોમાં કામદાર પરિવારના ત્રણ સભ્યો મહેતાબ બાગવાન, પુત્રી હિના શેખ અને પુત્ર સલમાન બાગવાનના મૃતદેહ સવારે મળી આવ્યા હતા. આ બાદ બપોરે ફેકટરીના માલિક હાજી મન્સુરી, તેમનોે પુત્ર ૨૬ વર્ષીય અનસ, ૨૪ વર્ષીય પુત્રી શિફા મન્સુરી, તેમનો પૌત્ર એક વર્ષનો યુસુફ અને કામદારની બાગવાનની પત્ની આયેશા બાગવાન સહિત પાંચ મૃતદેહો બપોરે મળી આવ્યા હતા. દરમિયાન, બચાવ કામગીરી વખતે જ્વલનશીલ સામગ્રી પડતાં ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ દાઝ્યા હતા. 

 આગ વિકરાળ બનતા ૧૦૦ જેટલા પાણીના ટેન્કરોના ફેરા કરાયા હતા.  આ ઉપરાંત એનટીસી પ્રોજેક્ટ સાથે ચિંચોલી એમઆઈડીસી, અક્કલકોટ અને પંઢરપૂરથી પણ ફાયર બંબાઓ મંગાવવામાં આવ્યા હતા. જો કે, ૧૨ કલાક બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. તેથી હાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસ મુજબ આ આગ ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે.