ભરૂચના આમોદ પંથકનો બનાવ

દેણવા ગામે બની દુર્ઘટના

ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડી

મહિલાનું મોત નિપજ્યું

પંથકમાં શોકનો માહોલ

ભરૂચના આમોદ તાલુકાના દેણવા ગામે ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર વીજળી પડતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. મહિલાના મોતના પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

ભરૂચના આમોદ તાલુકાના દેણવા ગામે ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવતા દુઃખદ ઘટના બની હતી. ગામ નજીક આવેલા પોતાના ખેતરમાં ખાતર નાખી રહેલા આશરે ૪૦ વર્ષીય કપિલાબેન વિનોદભાઈ સોલંકી ઉપર અચાનક વીજળી પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.પરિવારજનો અને ગ્રામજનો દ્વારા કપિલાબેનને તાત્કાલિક ખાનગી વાહન મારફતે આમોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો આમોદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડી. કે. સ્વામી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતુંમધારાસભ્યએ આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારીને હોસ્પિટલ ખાતે બોલાવી જરૂરી કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. બનાવને પગલે દેણવા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.