ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં યુરિયા ખાતરનો સરકારી જથ્થો હોવા છતાં યુરિયા વિતરણ ડેપો પર “ખાતર નહીં”ના બોર્ડ લાગતાં ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર શહેર તેમજ તાલુકામાં ખેતી કરતા ખેડૂતોએ યુરિયા ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે. જંબુસર તાલુકામાં આવેલ યુરિયા વિતરણ ડેપો ખાતે હાલ ખાતરનો જથ્થો પૂરતો છે. પરંતુ એ જથ્થો ખેડૂતોને હાલ મળતો નથી. એટલું જ નહીં, યુરિયા વિતરણ ડેપો પર “ખાતર નહીં”ના બોર્ડ લાગતાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે તાલુકાના ખેડૂતોએ યુરીયા ખાતર વિતરણની કચેરીએ વારંવાર ધક્કા ખાઈ અને નિરાશ થઈને પરત ફરવું પડે છે. પરિણામે ખેડૂતોના ઉભા પાકને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા પાક પણ નિષ્ફળ નિવડે એવો સમય આવ્યો છે. જેથી આગામી દિવસોમાં ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી ભીતિ સર્જાય રહી છે.