નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી અનેક લોકો અસરગ્રસ્ત

બોરભાઠા બેટ ગામની વૃદ્ધાનું ઝુંપડું પણ પાણીમાં તણાયું

લાઇફકેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધા માટે ઝૂપડું ઉભુ કરાયું

ખજૂરભાઈથી પ્રેરણા લઈ યુવાનનો સેવાકાર્ય કરવા નિર્ધાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક પૂર અસરગ્રસ્ત એક વૃદ્ધાનું ઝુંપડું પાણીમાં તણાઈ ગયું હતું, ત્યારે અંકલેશ્વરના લાઇફકેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્ત વૃદ્ધાના ઝૂંપડાને ફરી એકવાર ઉભુ કરવાનો સંકલ્પ કરાયો હતો.

ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું છે. ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામોમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે, ત્યારે હવે પૂરના પાણીએ વેરેલા વિનાશની તસ્વીરો પણ રુવાંટા ઉભા કરી દે તેવી છે. તેવામાં પૂરના પાણીના કારણે અનેકો ઝૂંપડા અને કાચા મકાનો પાણીમાં તળાઈ ગયા હતા. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક પૂર અસરગ્રસ્ત એક વૃદ્ધાનું ઝુંપડું પણ પાણીમાં તણાઈ ગયું હતું,

ત્યારે અંકલેશ્વરના લાઇફકેર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યને જાણ થતાં જ નર્મદાના પૂર અસરગ્રસ્ત વૃદ્ધાના ઝૂંપડાને ફરી એકવાર ઉભુ કરવાનો સંકલ્પ કર્યો હતો. ઝૂંપડું ફરી ઊભું કરવા માટે પિલ્લર અને પતરા સહિતના સાધન-સામગ્રીની સગવડ કરી વૃદ્ધાના ચહેરા ઉપર મુસ્કાન લાવી હતી. જોકે, હવે આ યુવાને અન્ય સંસ્થા અને સામાજિક કાર્યકર્તાઓને પણ આગળ આવી પૂર અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે અપીલ કરી હતી.