જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે શરૂ થયેલી દાંડીયાત્રા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ટેટ અને ટાટ પાસ શિક્ષકોની જ્ઞાન-સહાયક અને ખેલ સહાયક કરાર આધારીત ભરતીની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે રાજ્યકક્ષાએ ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દાંડીયાત્રા શરૂ કરવામાં આવી છે. આ દાંડીયાત્રા અવલ્લી જિલ્લામાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં બી.એડ. અને પીટીસીના ઉમેદવારો જોડાયા હતા. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે પહોંચેલી યાત્રામાં આમ આદમી પાર્ટીના અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મોડાસાના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો સાથે રેલી યોજી સુત્રોચ્ચા કર્યા હતા. હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે યુવરાજસિંહ સહિત વિદ્યાર્થીઓ નવરાત્રી મહોત્સમાં જોડાયા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તેમજ ઉમેદવારો હાથમાં પ્લે કાર્ડ લઈને ગરબે ઘૂમ્યા હતા.