અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે  એક ઇસમને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઉભા છે. જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને પોલીસને જોઈ બન્ને  ઇસમો ભાગવા જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી એક દેશી પિસ્તોલ, 14 કાર્ટીઝ અને 2 મેગ્ઝિન અને એક બાઇક મળી કુલ 71 હજારના મુદ્દામાલ કબ્જે કર્યો હતો, અને મૂળ બોટાદ અને હાલ જોલવા ગામ ના પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટી માં રહેતો ભરત માલા બાંબાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેનો મિત્ર અને જોલવા ગામના એચ.પી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલએ આજે રાત્રે એક કામ કરવાનું છે. તેથી તું રાજપીપળા ચોકડી આવી જા તે તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલે ભરત બાંબાને પિસ્તોલ અને કાર્ટીઝ આપ્યા હતા. ત્યાર બાદ કઈંક કહે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં મનસૂબા ને અંજામ આપવાનો હતો તે અંગે પણ પોલીસે વધુ તપાસ ના આરંભી હતી.