• ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો તણાવભર્યો માહોલ

  • કેન્દ્ર સાથે સીધો સંપર્ક સાધવા વોર રૂમ પણ કરાયો શરૂ 

  • સુરતના હજીરા પોર્ટને કરાયું હાઇએલર્ટ

  • મરીન પોલીસે બોટ દ્વારા શરૂ કર્યું પેટ્રોલિંગ

  • સ્મીમેર હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ સજ્જ 

ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરતના સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવાલાઇન્સ ખાતે વોર’ રૂમ શરૂ કરવાની સાથે હજીરા પોર્ટને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે,જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ સુરત હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.સાથે મરીન પોલીસે  બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ખાસ કરીને દરિયામાં ઈન્ટરનેશનલ બોર્ડર પણ નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત દરિયામાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવી છે. તદ્ઉપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં 3 થી 4 નોટિકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ખાસ કરીને હજીરા-ડુમસ અને ઈચ્છાપોરમાં 23 કંપનીઓ આવેલી છે. આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ ડિફેન્સની બેઠક બોલાવી હતી. બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દીધો છે. ગુરુવાર રાત્રે પાકિસ્તાને ભારતના વિવિધ સ્થળે હુમલો કર્યો હતોજેને લઈને તકેદારીને ભાગરૂપે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેકટર ડો.સૌરભ પારઘીએ શુક્રવારે સિવિલ ડિફેન્સ સ્ટાફ સાથે મીટિંગનું આયોજન કર્યુ છે.

સુરતથી કેન્દ્ર સાથે સતત સંકલન સાંધવામાં આવી રહ્યું છે. સરકાર તરફથી જે સૂચના મળે તે મુજબ કામગીરી હાથ ધરવા જિલ્લા પ્રશાસન તૈયાર છે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરાયું છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. જેમની રજા છે તેમને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે.