નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપો પર રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 11 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાવાસીઓ માટે એસટી બસની સેવામાં વધારો થયો છે.રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપો પર રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 11 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ,નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના શુભ હસ્તે નવી બસોને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી અને સુલભ પરિવહન સેવા મળી રહે તે હેતુથી આ 11 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસો શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરીની સુવિધા મળશે.