-
નગર સેવા સદનના વોર્ડ નં. 2માં રાજકીય માહોલ ગરમાયો
-
કોંગ્રેસના ઉમેદવાર કુતબુદ્દીન શેખએ ઉમેદાવરી પત્ર રજૂ કર્યું
-
ટિકિટથી વંચિત રહેલા કમભાગીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
-
સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ નામાંકન ભર્યું
-
ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. વોર્ડ નં. 2માં ટિકિટથી વંચિત રહેતા સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે.
ભરૂચ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. જોકે, ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નં. 2માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી.
કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના પૂર્વ નેતા સમસાદ અલી સૈયદ અને પૂર્વ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતબુદ્દીન શેખને ટિકિટ આપી છે. તો બીજી તરફ, પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતા જ ટિકિટથી વંચિત રહેલા સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે.
આ બન્ને નેતાઓએ મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવા અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું. જોકે, બાદમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. આ તરફ, અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ સમસાદ સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનું દાવો કર્યો હતો. તેઓના આ નિવેદનથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.
