ભરૂચમાં આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોડતોડ અને દબાણના આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને કારણે ચૂંટણીનો માહોલ વધુ તંગ બન્યો છે.
શહેર કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસે વોર્ડ નં. 5ના ભાજપના ઉમેદવાર અર્પણ જોશીનું એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે. આ રેકોર્ડિંગમાં અન્ય ઉમેદવારોને પોતાનું નામ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તે સિવાય, ઉમેદવાર ભાવેશ નાયકના પરિવારને ધમકીઓ મળતી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.
કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે ઉમેદવાર પર માનસિક દબાણ બનાવવા માટે આવી હરકતો કરવામાં આવી રહી છે.આ મામલે શહેર કોંગ્રેસના SC મોરચાના પ્રમુખ સતીન મેહતાએ નિવેદન આપતાં જણાવ્યું કે ચૂંટણીમાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આરોપોની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
