અંકલેશ્વર અને હાંસોટ તાલુકા લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા  જીઆઈડીસી સ્થિત કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રા. લી. ખાતે ઓફ-સાઈટ મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.મોકડ્રીલ દરમિયાન સોલ્વન્ટ નેપ્થા સ્ટોરેજ ટેન્કમાં આગ લાગવાની અને બે શ્રમયોગીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. શરૂઆતમાં કંપનીની ઇન-હાઉસ ફાયર ફાઇટિંગ અને વોટર સ્પ્રિંકલર સિસ્ટમ દ્વારા આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.

આગ પર નિયંત્રણ ન આવતા અંકલેશ્વર GIDCના DPMC ફાયર ટેન્ડરો તેમજ નજીકના ઉદ્યોગોની મ્યુચ્યુઅલ એઇડ હેઠળ ફાયર ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.સ્થાનિક પોલીસ, વોર્ડન સેવા, ફર્સ્ટ એઇડ, હાઉસ ફાયર અને રેસ્ક્યૂ ટીમોએ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત બે શ્રમયોગીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અંકલેશ્વર તથા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રિલ દરમ્યાન અંકલેશ્વર પ્રાંત અધિકારી યુ.એન. જાડેજા, મામલતદાર, લોકલ ક્રાઈસીસ ગ્રુપના અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.