-
ગીરની શાન સમાન જંગલના રાજા સિંહની સુરક્ષા સામે સવાલ
-
સિંહોની સુરક્ષાને લઈને સિંહ પ્રેમીઓમાં ખૂબ નારાજગી વ્યાપી
-
અવાર-નવાર સિંહોની પજવણીની ઘટનાઓના પગલે કાર્યવાહી
-
સિંહોની પજવણીની ઘટનાઓને અટકાવવા વન વિભાગ સતર્ક
-
અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું
ગીરની શાન સમાન જંગલના રાજા સિંહની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂનાગઢના ગિરનાર જંગલ બોર્ડરની આસપાસથી પસાર થતા સિંહોની પજવણી અને જીવના જોખમે પસાર થતા સિંહોની સુરક્ષાને લઈને સિંહ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. તો બીજી તરફ, વન વિભાગએ સિંહોની અવરજવર અને તેમની પજવણીની ઘટનાને અટકાવવા પેટ્રોલિંગ વધાર્યું છે.
ગુજરાતની આન, બાન અને શાન એટલે જંગલના રાજા સિંહની સુરક્ષાને લઈ ફરી એકવાર સવાલ ઊભા થયા છે. જુનાગઢ શહેર’એ ગિરનાર જંગલ બોર્ડરને અડીને આવેલું છે, એટલે અવારનવાર સિંહો રસ્તા પર તો ક્યાંક રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ગિરનાર જંગલમાં અંદાજિત 54 જેટલા સિંહોનો વસવાટ છે.
જેમાં 2 રેન્જ આવેલી છે. ડુંગર ઉતર રેન્જ અને ડુંગર દક્ષિણ રેન્જ. ડુંગર દક્ષિણ રેંજના વિસ્તારમાં વધુ પડતા સિંહની અવરજવર રહે છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી શહેરના બીલખા રોડ પર અસામાજિક તત્વો દ્વારા સિંહ પજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આવી ઘટનાને રોકવા વન વિભાગ નિષ્ફળ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે વન વિભાગના પેટ્રોલિંગને લઈને પણ સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા અને સિંહ પજવણી કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.
જોકે, સિંહની પજવણી અને સિંહોની સુરક્ષાને લઈને ઊઠેલા સવાલો મામલે વન વિભાગે પણ ખુલાસો કર્યો છે. ગિરનાર અભયારણ્ય આસપાસ સિંહોની સુરક્ષા માટે વન વિભાગ સતત સજાગ રહી કામગીરી કરી રહ્યું છે. ડુંગર દક્ષિણ રેન્જના સીટી રાઉન્ડ અને ડુંગરપુર રાઉન્ડ વિસ્તારમાં સિંહો અવાર-નવાર રેવન્યુ વિસ્તારમાં અથવા રોડ પર આવી જતા હોય છે. આવી પરિસ્થિતિમાં સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે, અને સિંહના મૂવમેન્ટની જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સિંહને સુરક્ષિત રીતે રોડ પસાર કરાવવામાં મદદ કરે છે.
ખાસ કરીને રાત્રિના સમયે વન વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સિંહોની દેખરેખ વધારવામાં આવી છે. જેથી કોઈપણ પ્રકારની પજવણી અટકાવી શકાય. દરેક સિંહનું સતત મોનિટરિંગ શક્ય ન હોવા છતાં સ્ટાફ સતર્ક રહી ઝડપી પ્રતિસાદ આપે છે. આ સાથે જ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, સિંહ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે, જેથી સમયસર કાર્યવાહી કરી સિંહોની સુરક્ષા અને સંરક્ષણ સુનિશ્ચિત કરી શકાય.
