• ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

  • 10.86 લાખ મતદારો નોંધાયા

  • 1343 મતદાન મથકો ઉભા કરાયા

  • આલિયાબેટમાં કન્ટેનરમાં મતદાન મથક

  • 6663 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત

ભરૂચ જિલ્લા- તાલુકા પંચાયત- નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 336 બેઠકો માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. ચારેય પાલિકા માટે 219 અને જિલ્લા- તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે મુકત , ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાય છે. ચૂંટણી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરાઈ છે. અત્યાર સુધી આચાર સંહિતાભંગની 5 ફરિયાદો મળી છે.તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે. સ્થાનિક સ્વરાજયની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદ 336 બેઠક માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે . જેમાં ચારેય નગરપાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે.જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ છે. 4 પાલિકાના 98 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાએ રવિવારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાકનો હોય તમામ નાગરિકોએ અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ પાલિકા માટે મહત્તમ 4 વોટ આપવા અને પછી ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે બે વોટ આપવા અંગે EVM નિદર્શન પણ કરાયું હતું. દર ચૂંટણીની જેમ આ વખતે પણ એકમાત્ર રાજ્યમાં આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે.