અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામના મોરા ફળીયા વિસ્તારમાં ગભરાટ ફેલાયો જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ગેસ લાઇનમાંથી લીકેજ થતા આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર ફાઈટરોએ સમયસર કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાની ટળી હોવાનું જણાવવામાં આવ્યું છે. સલામતીના પગલાંરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
