અંકલેશ્વર-વાલીયા સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ભારે વાહનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર બોક્સ કલવર્ટ ની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી આગામી ૩ માસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને બાંધકામની કામગીરી નિર્વિઘ્ન પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચથી વાલીયા તરફ જતાં ભારે વાહનોએ હવે દેસાઈ પેટ્રોલ પંપ થઈને ગાર્ડન સિટીના રસ્તે ટેન્કર ગેટથી વાલીયા તરફ પસાર થવાનું રહેશે. જ્યારે વળતી દિશામાં એટલે કે વાલીયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર ગેટ (સારથી એપાર્ટમેન્ટ) પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સીટી રોડ થઈસલ્ફયુરીક ચોકડી થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે. સુરતથી વાલિયા તરફ જતા વાહન વ્યવહાર નંદાવ ચોકડીથી વાલીયા—સિલુડી રોડ તરફ વાળવામાં આવ્યા છે.