
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા છે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું છે
જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ-અંકલેશ્વર ખાતેની INDIA ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે.ભરૂચના તત્કાલીન એસપી (SP) મયુર ચાવડાએ ૧૭-૧૨-૨૦૨૪ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ૧૮-૦૪-૨૦૨૬ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી.આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન. જોષી દ્વારા ૦૪-૦૫-૨૦૨૬ના રોજ એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૨૩(૧) મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે.ધારાસભ્ય ચૈતર વસાવાને ૨૩ જૂન ૨૦૨૬ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદોમાં પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે.હવે જોવાનું એ રહેશે કે ૨૩ જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ઝઘડિયામાં ચૈતર વસાવા વિરુદ્ધ બે ગુના નોંધાયા હતા.ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રા. લિ.માં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારો ઈજાગ્રસ્ત થયા બાદ 3ના મોત નિપજ્યા હતા.આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે
