ભરૂચના હાંસોટ તાલુકાના રોહિદ ગામ નજીક સૂકું ઘાસ ભરેલા ટેમ્પામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના રોહિદ અને કલમ ગામ વચ્ચે નહેર નજીક બની હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ ખેતરમાંથી સૂકું ઘાસ ભરી ટેમ્પો બહાર આવી રહ્યો હતો ત્યારે ટેમ્પો રસ્તા પાસે આવેલા વીજ પોલ અને જીવંત વીજ તારને અડી ગયો હતો. જેના કારણે અચાનક સ્પાર્કિંગ થતાં ઘાસે આગ પકડી લીધી હતી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ ઘટનામાં ટેમ્પા ચાલક દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સૂકું ઘાસ વધુ પ્રમાણમાં ભરાયેલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ ટેમ્પાને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.