-
ભારત સરકાર દ્વારા હાથ ધરાય છે વસ્તી ગણતરી
-
જનગણના ૨૦૨૭ અંતર્ગત ‘સ્વ-ગણતરી‘ પ્રક્રિયા
-
તા. ૧૭થી ૩૧ મે દરમિયાન લોકો બનશે સહભાગી
-
સ્વ-ગણતરી પોર્ટલ પર નાગરિકો વિગતો નોંધી શકશે
-
લોકોને સહભાગી થવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ
ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી ‘જનગણના ૨૦૨૭‘ માં સક્રિયપણે જોડાવવા માટે જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, ત્યારે ગુજરાત રાજ્યમાં જનગણના ૨૦૨૭ અંતર્ગત ‘સ્વ-ગણતરી‘ પ્રક્રિયાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે.
આ ઓનલાઈન પ્રક્રિયા આગામી તા. ૧૭ મે’થી ૩૧ મે’-૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસના ૨૪ કલાકમાં ગમે ત્યારે, રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વ-ગણતરી કરી શકશે. જેમાં નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ માત્ર પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેતા નથી. ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ ‘SE ID’ જનરેટ થશે, જેનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ ‘SE ID’ નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર તેમના ઘરે રૂબરૂ મુલાકાતે આવે ત્યારે તેમને આ ID દર્શાવવાનો રહેશે. રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને તેવી કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
