-
લીંબડી શહેરમાંથી વ્યાજખોરીનો ગંભીર મામલો સામે આવ્યો
-
વ્યાજખોરોના ચુંગાલમાંથી એક પરિવારને પોલીસે બચાવ્યો
-
રૂ. 1 કરોડના 70 તોલા સોનાના દાગીના પરિવારને પરત
-
દાગીના પરત મળતા પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
-
પોલીસે માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી કોળી સમાજના એક પરિવારને બચાવ્યો છે. આ પરિવારની જીવનભરની મૂડી સમાન રૂ. 1 કરોડના 70 તોલા સોનાના દાગીના પરત અપાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પોલીસે માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. ચોકી ગામના અરજદારે 4 વર્ષ પહેલા આર્થિક મુશ્કેલીના કારણે 70 તોલા સોનાના દાગીના ગીરવે મુક્યા હતા. સમય જતાં વ્યાજનું વ્યાજ ગણાતા હિસાબ કરોડોની નજીક પહોંચ્યો હતો, અને અરજદાર ભારે માનસિક તણાવમાં મુકાયો હતો.
આ દરમિયાન અરજદારે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારીનો સંપર્ક કરતા સમગ્ર મામલે તાત્કાલિક સંવેદનશીલતા દાખવવામાં આવી હતી. પોલીસ દ્વારા સામાવાળાઓ સાથે ચર્ચા અને કાયદેસરની સમજણ આપતા માત્ર 24 કલાકમાં અંદાજે 1 કરોડ રૂપિયાના 70 તોલા સોનાના દાગીના મૂળ માલિકને પરત અપાવવામાં સફળતા મળી હતી. PI જી.બી.પરમાર, PSI વી.એમ.કોડીયાતર અને હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ડોડીયાની ટીમે ઝડપી કામગીરી કરી અરજદારને ન્યાય અપાવ્યો હતો. લીંબડી પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્ર ફરી એકવાર સાચા અર્થમાં સથક થયું છે.
