• શ્રી કષ્ટભંજનદેવને સફેદ મોતીનો કલાત્મક શણગાર

  • અધિક જેઠ માસના શનિવારે વિશેષ શણગાર કરાયો

  • સુરતમાં 7 દિવસની મહેનતે તૈયાર થયા વાઘા

  • દાદાને હંસ અને મોરની થીમ પર મોતીનો શણગાર

  • કેરી અને જાંબુનો શાહી અન્નકૂટ પણ ધરાવાયો 

જેઠ સુદ આઠમના પાવન અવસરે દાદાને શ્વેત મોતીના કલાત્મક વાઘા અને મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના  સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે દાદાને હંસની થીમ પર સફેદ મોતીના વાઘા ધરાવાયા છેજે સુરતમાં કારીગરો દ્વારા સાત દિવસની ભારે મહેનતે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ દાદાના સિંહાસનને મોરની થીમ પર સજાવવામાં આવ્યું છે.

આજે દાદા કષ્ટભંજનદેવને બે વિશેષ અન્નકૂટ ધરાવાયા હતા. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ અને ફરસાણની સાથે મોસમની ખાસ ભેટ એટલે કે કેરી અને જાંબુનો દિવ્ય અન્નકૂટ અર્પણ કરાયો હતો. વહેલી સવારથી જ મંગળા આરતી અને શણગાર આરતીના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ અને કલ્યાણ માટે 17 મેથી શરૂ થયેલો વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ આગામી 15 જૂન સુધી ચાલશે. શનિવારના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના શિખરે ધજા ચઢાવી મહાપ્રસાદનો લાભ લીધો હતો.