-
શહેરમાં તહેવારો પૂર્વે નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો
-
પાણી કાપના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષની ઉગ્ર રજૂઆત
-
શહેરીજનોને પાણી માટે મુશ્કેલી ન પડે તેવી માંગ કરાય
-
નર્મદા કેનાલમાં સફાઈની કામગીરીના કારણે મુશ્કેલી સર્જાય
-
શહેરીજનોને સમયસર પાણી મળે તેવું આયોજન : પ્રમુખ
ભરૂચ શહેરમાં તહેવારો પૂર્વે નગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પાણી કાપના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરી શહેરીજનોને પાણી માટે મુશ્કેલી ન પડે તેવી માંગ કરવામાં આવી હતી.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સફાઈ અને પાણીની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં તાજેતરમાં કરવામાં આવેલા પાણી કાપ મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે શહેરમાં પાણી કાપ યોગ્ય ગણાવી શકાય નહીં. તહેવારોના સમયમાં લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે તે વહીવટી નિષ્ફળતા હોવાનું જણાવી પાલિકા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જોકે, છેલ્લા 30 વર્ષના શાસન બાદ પણ જો ભરૂચના શહેરીજનોને ભર ઉનાળામાં અને તહેવારો દરમિયાન પાણી કાપ સહન કરવો પડે તો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. તો બીજી તરફ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નર્મદા કેનાલમાં સફાઈ સહિતની કામગીરી ચાલી રહી હોવાથી પાણી પુરવઠામાં મુશ્કેલી સર્જાઈ છે. જેના કારણે પાણી કાપનો નિર્ણય લેવાયો છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સમયસર પાણી મળી રહે તે માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
