ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક સામાન્ય બોલાચાલીમાં બે જુથો વચ્ચે હિંસક અથડામણ સર્જાય હતી.આ ઘટનામાં છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક આજે સોમવારના બપોરે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પળવારમાં હિંસક અથડામણમાં ફેરવાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અલગ-અલગ સમાજના બે જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર હથિયારો અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરે છે. તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઇશર ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે વાહન પસાર કરવા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતા જોતા મામલો ઉગ્ર બનતા બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ હતી.ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાના વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
અથડામણમાં વિપુલ ગગજી ભરવાડ, જડા ડાહ્યાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે મુસ્લિમ સમાજના આઝમ સજુદીન શેખ, તોફીક આઝમ શેખ અને હાસમ સજુદીન શેખ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વાયરલ થયેલા વીડિયો સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે.
