અંકલેશ્વરમાં અવિરત વરસાદ

2 ઇંચ વરસાદથી પાણી જ પાણી

નવાગામ કરારવેલ નજીક ડાયવર્ઝન ધોવાયું

4 ગામના લોકોનો મુશ્કેલી

બ્રિજની અધૂરી કામગીરીના પગલે હાલાકી

અંકલેશ્વરમાં અવિરત વરસી રહેલા વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે નવાગામ કરારવેલ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

અંકલેશ્વર તાલુકામાં પડેલા  2 ઇંચ વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો ભાગ ધોવાઈ ગયો હતો. ઘટનાને પગલે તંત્ર દ્વારા સેફ્ટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.માર્ગ બંધ થતાં આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસા પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ થઈ હોત તો લોકોને હાલાકી ભોગવવી પડી ન હોત.ડાયવર્ઝન બંધ થતાં નવાગામ, કરાવેલ સહિત ચાર ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે. જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરી અવરજવર પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.