ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી–ઉમરવાડા માર્ગ પર પેવર બ્લોક્સ બેસી જતાં કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોએ રોષ સાથે સવાલો ઉઠાવ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી–ઉમરવાડા માર્ગનું નિર્માણ કાર્ય હાલમાં પ્રગતિમાં છે. આ દરમિયાન ઉમરવાડા ડેલા ફળિયા મસ્જિદની બાજુમાં માર્ગની સાઇડમાં લગાવવામાં આવેલા પેવર બ્લોક્સ થોડા જ દિવસોમાં બેસી જતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વીડિયોમાં પેવર બ્લોક્સ બેસી ગયાના દૃશ્યો જોવા મળે છે, જેના આધારે સ્થાનિકોનું કહેવું છે કે, કામ હજુ પૂર્ણ પણ થયું નથી, અને તે પહેલાં જ આવી સ્થિતિ સર્જાવું ચિંતાજનક છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કામ દરમિયાન પૂરતી તકનીકી દેખરેખનો અભાવ જોવા મળી રહ્યો છે, અને મોટા ભાગનું કામ માત્ર મજૂરોના ભરોસે ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક નાગરિકોએ એવો પણ દાવો કર્યો છે કે, સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે યોગ્ય પ્રતિસાદ મળતો નથી. હાલ આ મામલે સંબંધિત તંત્ર અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સ્થાનિકોએ સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવી, જો ક્યાંય ગુણવત્તામાં ખામી હોય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માંગ કરી છે.