અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી

3 આરોપીઓની કરી ધરપકડ

ફૂલ વેચતી મહિલા સાથે કરી હતી ઠગાઈ

રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ધાર્મિક વિધિ બહાને કરતા હતા ઠગાઇ

અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

ગત તા. 22 જૂન, 2026ના રોજ બપોરે અંકલેશ્વર GIDC વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંનેએ ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે રૂ. 63 હજારના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં  ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તપાસ દરમિયાન સર્વેલન્સ, CCTV ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે બાલાશિનોર ખાતે દરોડા પાડી આરોપી વસીમ ગુલામશા શેખ, સલમા ઇકબાલ શેખ તથા દાગીના ખરીદનાર સોની દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ શાહને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે 0.5 ગ્રામનો સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂ. 1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 9 ગુના નોંધાઇ ચુક્યા છે ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.