ગુજરાતમાં ક્રાંતિકારી ‘STATCOM’ ટેકનોલોજી કાર્યરત
વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરાશે
જેટકો દ્વારા સ્થાપિત સ્માર્ટ પાવર ગ્રીડ સિસ્ટમ
લો-વોલ્ટેજ અને ટ્રીપિંગની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરશે
કૃષિ ક્ષેત્રમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતામાં થયો વધારો
દેશમાં સૌપ્રથમવાર ગુજરાતના ગીર-સોમનાથમાં ક્રાંતિકારી ‘STATCOM’ ટેકનોલોજી કાર્યરત કરવામાં આવી છે, જે ગ્રીડમાં વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરશે. જેટકો (GETCO) દ્વારા સ્થાપિત આ સ્માર્ટ પાવર ગ્રીડ સિસ્ટમ લો-વોલ્ટેજ અને ટ્રીપિંગની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરશે.
દેશના ઊર્જા ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહેલા ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગીર-સોમનાથ જિલ્લાના ટીમડી 220 કેવી (kV) સબસ્ટેશન ખાતે દેશની સૌપ્રથમ અદ્યતન ‘STATCOM’ પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત થઈ છે. આ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી આગામી સમયમાં રાજ્યના અન્ય સાત મહત્વના સ્થળો પર પણ સ્થાપિત કરવામાં આવશે.
120 MVAR ક્ષમતા ધરાવતું આ સ્માર્ટ નેટવર્ક પાવર ગ્રીડને અદ્ભુત સ્થિરતા આપે છે.રાત્રે વીજ વપરાશ ઘટતાં વધતા વોલ્ટેજને તે શોષી લે છે, અને દિવસ દરમિયાન લોડ વધતા ઘટતા વોલ્ટેજને આપમેળે સંતુલિત કરે છે. આ ઓટોમેટીક સિસ્ટમથી ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રાહકોને હવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય મળી રહ્યો છે.
આશરે 1400 કરોડ રૂપિયાના આ દૂરંદેશી પ્રોજેક્ટથી ગ્રામીણ વિસ્તારો, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અનેકગણી વધી ગઈ છે. વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવાટ ગ્રીન એનર્જીના લક્ષ્ય તરફ આગળ વધી રહેલા ગ્રીન અને ડિજિટલ ગુજરાતના સંકલ્પને આ ટેકનોલોજી નવી ઊર્જા આપશે.
