ડાંગ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. સુબીરના સાપ્તાહિક હાટ બજારમાંથી મુસાફરોને લઈને સિંગાણા તરફ જતી એક બોલેરો જીપ બ્રેક ફેલ થતાં માર્ગ પરથી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય 12 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
આ અકસ્માત સુબીર-નવાપુર રાજ્ય ધોરીમાર્ગ પર મોખામાળ ફાટક નજીક બુધવારે બપોરે બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો જીપમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હતા. અચાનક બ્રેક નિષ્ફળ જતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને જીપ સીધી માર્ગની બાજુમાં આવેલી ખીણમાં ખાબકી હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સુબીર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સુબીર પોલીસ મથકના પીઆઈ એચ.બી. પટેલ સહિત પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બ્રેક ફેલ થવા સહિતના કારણોની તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સમયસર બચાવ કામગીરીના કારણે વધુ જાનહાનિ ટળી હતી.
