પૂર્વ કચ્છ પોલીસની ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. ગાંધીધામ એસઓજીએ “No Drugs in East Kutch Campaign” અંતર્ગત કાર્યવાહી કરીને 9.540 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામ એસઓજીએ અંજારના શાંતિધામ વિસ્તાર ખાતે હનુમાન ચોક પાસે બાતમીના આધારે રેડ કરી હતી. આ દરમિયાન મુકેશ પાંચાભાઈ વાલ્મીકી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે 9.540 કિલો ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત લગભગ ₹4.77 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાની સાથે એક મોબાઇલ ફોન, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અને રોકડ રકમ સહિત કુલ અંદાજે ₹5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ અંજાર પોલીસને સોંપવામાં આવ્યો છે.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન સતત ચાલુ રાખવામાં આવ્યું છે. સાથે જ પોલીસે નશીલા પદાર્થોના વેપાર અથવા હેરફેર અંગે કોઈપણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જનતાને અપીલ કરી છે.